Friday, September 14, 2012

ખાદી (29-10-11)

     
ખાદી શબ્દ કાને પડતા જ મારું ધ્યાન એ તરફ અચૂક જાય છે. ખાદી વિશે વાત કરવાની હોય તો હું ખૂબ ખુશ થઈ જાઉં છું. હા, મારો ખાદી સાથેનો નાતો ઘણો જૂનો છે.
જ્યારે હું ખૂબ નાની હતી ત્યારે દાદાજીને ખાદીની ટોપીમાં, ખાદીના સદરામાં જોતી. પણ ખાદી પહેરવાનો વિચાર કદાચ મારા ફોઈના દીકરાઓ દર્શનભાઈ અને સલિલને કારણે આવેલો. દાદાજીનું એક ખાદીનું આરવાળું કડક સફેદ રંગનું, લાંબી બાંય, કૉલર અને ખીસાવાળું શર્ટ મેં એક વાર પહેરેલું. મને બરાબર યાદ છે કે તેને સાઈડમાં વળાંકવાળી કટ પણ હતી. સલિલ કપડાંનો ખૂબ શોખીન અને ઊંચો ટેસ્ટ ધરાવે. તેણે જ્યારે મેં પહેરેલા શર્ટના ખૂબ વખાણ કર્યા ત્યારે મને ખૂબ ગમેલું. અને મેં તેવા બે શર્ટસ ઘરમાં પહેરવાનું શરુ કરેલું.
દર્શનભાઈ  કે જેઓ આજે પણ લગભગ ખાદીમાં જ હોય છે તેમણે એ જ અરસામાં પોતાનું નાનું boutique શરુ કરેલું. તેમણે કોટન બાંધણીની સાથે ખાદી બ્લૅન્ડ કરીને બનાવેલો એક કુર્તો પહેરીને તેમની જ સાથે એકવાર હું સંસ્કાર કેંદ્રમાં કોઈ પ્રદર્શન જોવા ગયેલી. ત્યાં આવેલા NID (એન આઇ ડી)ના એક પ્રાધ્યાપકે મારી પાસે આવીને પૂછેલું કે આ કોણે ડિઝાઈન કરેલો કુર્તો છે. જર્જરિત હાલતમાં આ કુર્તો મારી પાસે આજે પણ છે. કદાચ કૉલેજમાં મારી પાસે ખાદીના એક-બે કુર્તા હતા. અને આજે મારું wardrobe ખાદીના વિધવિધ ઝભ્ભાઓથી ઊભરાય છે.
હા, ખાદી પ્રત્યે મને વિશેષ પ્રેમ છે. મારા માટે ખાદી એ ઑલ સિઝન (all season) અને મેઇન્ટેનન્સ ફ્રી (maintenance free) ડ્રેસ છે. ઘણાને આ વાંચીને નવાઈ પણ લાગશે પણ હાલમાં મળતી વિવિધ જાતની અને ભાતની ખાદીને કારણે ઘણી પસંદગી ઉપલબ્ધ છે. શિયાળા માટે જાડી અને ઉનાળા માટે પાતળી ખાદી મળે છે. વળી, તે કોઈ વિશેષ જાળવણી માગતી નથી. (કદાચ સાડી વગેરે મેઇન્ટેનન્સ માગે છે)  સામાન્ય આર-ઈસ્ત્રી તો કોટન કપડાં પણ માગે છે જ. અને ગુજરાતની આબોહવામાં બારે માસ અન્ય મટીરિયલ્સ પહેરવા મુશ્કેલ છે તેમ મારું માનવું છે. મને તો લાગે છે કે આ એક ખૂબ ટકાઉ કાપડ છે. મારા ઘણા ઝભ્ભા વર્ષો સુધી ચાલે છે. હવે તો ગુજરાતમાં બનતી અને પર-પ્રાંતની (ગુજરાત બહાર બનતી) એમ જુદી જુદી ખાદી પણ ઘર આંગણે સરળતાથી મળી શકે છે. અને રંગો તો એવા છે કે વાત ન પૂછો!
વ્યવસાયે હું એક freelancer educationist and artist છું. જ્યારે પણ મારા કામમાં હું સવારથી રાત સુધી વ્યસ્ત હોઉં કે બહાર હોઉં ત્યારે તો મને ખાસ કરીને ખાદીના ઝભ્ભામાં જ રહેવું ગમે છે. મુસાફરી દરમ્યાન તો હું માત્ર મારા માટે સૌથી આરામદાયી પોષાક - jeans અને ખાદીનો ઝભ્ભો જ પહેરું છું. શરૂઆતમાં હું ખાદીના તૈયાર ઝભ્ભા જ પહેરતી. ઘણાને નવાઈ લાગતી. પણ થોડા જ વખતમાં જાણે કે એ મારી ઓળખ (identity) બની ગઈ. મારી આસપાસના વર્તુળના લોકો તેની પૃચ્છા કરવા લાગ્યા. અને ઘણા શોખથી ખરીદવા પણ લાગ્યા.
હવે તો ખાદીની વિશાળ શ્રેણીને કારણે હું ખાદીના કાપડ ખરીદીને મારી પસંદગીના ઝભ્ભા સીવડાવું છું. મારા પતિ પણ ખૂબ હોંશથી ખાદીના ઝભ્ભા અને શર્ટસ પહેરે છે.
જાણીને કદાચ નવાઈ લાગે પણ હવે તો મારા ઘરના લગભગ બધા પડદા પણ ખાદીના જ છે.
એક વાર દર્પણ અકાદમી ઑફ પરફોર્મિંગ આર્ટસમાં ખાદી પર એક શૉ કરવાનું વિચારાયું ત્યારે તે અંગેના સંશોધનમાં શ્રીમતી મૃણાલિની સારાભાઈની સાથે જોડાઈને મેં ઘણી રસપ્રદ એવી ઐતિહાસિક જાણકારી પણ મેળવી. જેના કેટલાક અંશ share કરું તો- ગાંધીજીએ ૧૯૦૯માં ચરખા અને હાથ વણાટ માટે લખેલું પણ તેમણે કોઈને પણ તેનો ઉપયોગ કરતા જોયા ન હતા. કેટલાય મહિનાઓની શોધ બાદ ભરૂચમાં ગંગાબેન મજમુદાર સાથે તેમની ઓળખાણ થઈ. જેમણે ગાંધીજીને બરોડાના વીજાપુર ગામના એક ચરખા બનાવનાર સાથે મેળવી આપ્યા અને આમ ચરખાનું ચક્ર અહિંસાની લડાઈનું એક શસ્ત્ર બન્યું. 
ગાંધીજી મક્કમતાથી માનતા હતા કે દેશની આર્થિક અને આત્મિક ઉન્નતિમાં હાથથી કાંતણ અને હાથ વણાટ સૌથી મોટું યોગદાન આપશે. ખેતી પર આધારિત આ દેશ માટે ખાદી એક એવો ગૃહ ઉદ્યોગ બની શકશે કે જે બેરોજગારી અને ભૂખમરાથી લોકોને બચાવી તેમને આત્મનિર્ભર બનાવી શકશે. માત્ર જરૂર છે દરેક ગામમાં, દરેક ઘરમાં એકવાર તેના વણાટનું કામ શરુ કરવાની. પછી તો ગાંધીજીના સક્રિય પ્રયાસોથી ખાદીની લોકપ્રિયતા અને ઉપયોગ દેશભરમાં ફેલાતો રહ્યો.   
એક વાર મેં શાળાના બાળકોનું એક નાટક જોયું જેમાં તેમણે એક સંશોધનને ટાંકીને જણાવેલું કે ભારતની દરેક વ્યક્તિ વર્ષમાં એક વાર માથાદીઠ એક મીટર ખાદી પણ જો ખરીદે તો ભારતનો ખાદી ઉદ્યોગ કદી પડી ભાંગે નહીં. બસ, મેં પણ જ્યાં મોકો મળે ત્યાં આ કહેવા માંડ્યું અને જાતે પણ મોટે ભાગે ખાદીના વસ્ત્રો પહેરવા શરૂ કરી દીધા. મારા ઘણા મિત્રો પણ ખાદી ખરીદવાનું વિચારવા લાગ્યા.
I find khadi very dignified and respectful. આજકાલ તો ફેશનમાં પણ છે. એ એક હકીકત છે કે simple પણ elegant ખાદી આજે મારા જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગઈ છે. J J  
આજે સમય ઘણો બદલાયો છે, આપણી ટેવો બદલાઈ છે, આપણા શોખ બદલાયા છે પણ આજે આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ કે જ્યાં સુવિધાઓની સાથે અનેક પ્રશ્નો પણ સર્જાયા છે. જેમાં પર્યાવરણની અસમતુલા, ઝેરી રસાયણોથી મૃત:પ્રાય બનતી જતી ધરતી અને ઊર્જા સ્રોતોની ઊણપ જેવા પ્રાણપ્રશ્નો પણ સમાવિષ્ટ છે. આ જ સાચો સમય છે હાથ વણાટ અને હેન્ડલૂમને એકવાર ફરીથી અપનાવવાનો. એ કાપડ કે જે પર્યાવરણને નુકસાન નથી પહોંચાડતું, કેટલાય પરિવારોને સ્વાભિમાનપૂર્વક કમાણી કરાવે છે, જેમાં અમર્યાદિત નવીનતા છે અને જે આપણી પોતાની સંસ્કૃતિ અને ધરોહર છે.             

2 comments: